અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે આજે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે, જેમાં હવે કોઇ ખાનગી સ્કૂલ વધુ ફી નહીં લઇ શકે, એટલે કે ફી નિયમન ચૂકાદા પર સ્ટે મૂકવા અંગે ખાનગી શાળાઓ દ્વારા કરવામાં આવેલી માંગ ફગાવતાં કોર્ટે જણાવ્યું કે, ફી અધિનિયમન સમિતિ બંધારણીય છે અને ખાનગી શાળાઓના સંચાલકો બેફામ રીતે ફી વસૂલી શકશે નહીં. હવે 2018થી નવો નિયમ લાગુ પડશે.
ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ રેગ્યુલેશન ફી બિલ-2017 કાયદા અનુસાર, પ્રાથમિક શિક્ષણ માટે રૂ. 15 હજાર, માધ્યમિક શિક્ષણ માટે રૂ. 25 હજાર અને ઉચ્ચસ્તર માધ્યમિક શિક્ષણ માટે રૂ. 27 હજાર ફી નક્કી કરવામાં આવી છે. આ નવી ફીનો અમલ ચાલુ વર્ષ 2018થી જ થશે. આ ઉપરાંત જે સ્કૂલ સંસ્થાએ એડવાન્સ ફી ઉઘરાવી છે તેમને વાલીઓને વધારાની ફી પરત કરવી પડશે.
આ બિલ પ્રમાણે તમામ ખાનગી શાળાઓ જેવી કે રાજ્યનાં શિક્ષણ વિભાગ હેઠળ ચાલતી ICSE, CBSE અને ઇન્ટરનેશનલ બોર્ડની શાળાઓને આ ફી અધિનિયમ કાયદો લાગુ પડશે. ઉપરાંત, જો આ શાળાઓ ફી પરત કરવા માટેની કાયદાની જોગવાઈનો ભંગ કરશે તો તેમને બમણી ફી પરત કરવી પડશે. શાળાએ આદેશના પંદર દિવસમાં ફી પરત કરવાની રહેશે, જો વિલંબ કરશે તો એક ટકા વ્યાજ ચુકવવુ પડશે. વાલીઓની ફરિયાદ બાદ, કમિટીને સુઓમોટો નિર્ણય લેવાની સત્તા રહેશે. જો કે, શાળાઓને રજૂઆતની તક આપવામાં આવશે.
નોંધનીય છે કે, 30 માર્ચ 2017ના રોજ રાજ્ય સરકારે ખાનગી શાળાઓ માટે ફી નિયમન કાયદાનું બિલ પસાર કર્યું, બાદમાં 26 એપ્રિલ 2017ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી કરવામાં આવી, જેમાં વાલીઓના પ્રતિનિધીની માંગ કરાઈ, 3 મે 2017ના રોજ હાઈકોર્ટ આ મામલે વચગાળાની રાહત આપવાથી ઇન્કાર કર્યો.